सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

એક ગામ જેણે પોતાનું ભાગ્ય જાતે બદલી નાખ્યું

નિર્મલાબેન સોની | બારીપાડા | મહારાષ્ટ્ર

parivartan-img

આજે વાત કરીએ એક એવા ગામની કે જેણે પોતાનું ભાગ્ય જાતે જ લખ્યું હતું.  મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના સાકરી બ્લોકમાં માત્ર 94 પરિવારોના આ વનવાસી ગામે સાબિત કર્યું છે કે જો માણસ પ્રકૃતિ સાથે મિત્રતા કરે તો તેની ગરીબી હંમેશ માટે દૂર થઈ જાય છે.  ગ્રામજનોના સંગઠિત પ્રયાસોનું પરિણામ છે કે એક સમયે પાણીના ટીપાં માટે તલપાપડ રહેતું બારીપાડા હવે નજીકના 5 ગામોને પાણી પૂરું પાડે છે.  જે ગામમાં એક સમયે માત્ર 15 હેક્ટર જમીન ખેતીલાયક હતી ત્યાં આજે 120 હેક્ટર જમીનમાં વાર્ષિક ત્રણ પાક લેવાઇ રહ્યાં  છે. ડુંગળી, કઠોળ, સ્ટ્રોબેરી જેવા રોકડિયા પાકોની આવકને કારણે આ ગામમાં કોઈ ગરીબ નથી.  પરિવર્તનની આ વાર્તા ગામમાં જ કોમર્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ યુવક ચૈતરામ પવારે લખી હતી. વનવાસી કલ્યાણ આશ્રમની પ્રેરણા અને સહકારથી તેની શરૂઆત જંગલ બચાવવાથી થઈ હતી. ગ્રામજનોએ વન વિભાગ સાથે મળીને બારીપાડાની આસપાસના 450 હેક્ટરમાં ફેલાયેલા જંગલમાં હરિયાળી પાછી લાવી હતી. જેણે ઈન્ડીયા બાયો ડાયવર્સીટી પુરસ્કાર અને વર્ષ 2003માં યુનાઇટેડ નેશન ડેવલેપમેન્ટ પ્રોગ્રામના પુરસ્કાર સાથે 33 અન્ય પુરસ્કારોથી સન્માનિત આ ગામ માટે સમૃદ્ધિના દરવાજા ખોલ્યા હતા.

 જો 80 ના દાયકાની વાત કરીએ તો કોકણી અને ભીલ જાતિના આ ગામમાં દિવાળી પછી પાણી ઓસરી જતું હતું. તે સમયે બારીપાડામાં માત્ર બે જ કૂવા હતા જે ડિસેમ્બર આવતા સુધીમાં સંપૂર્ણપણે સુકાઈ જતા હતા. મજબૂરીમાં ગામના લોકો રોજગાર માટે છ મહિના ગામ છોડીને જતા હતા.  તેઓ  ગામમાં રહે તો પણ ફક્ત ખેતી કરીને પરિવારનું ગુજરાન ન થતાં  લાકડા કાપવા અથવા મહુડાનો  દારૂ વેચવા જેવા ગેરકાયદેસર વ્યવસાયો તેમની આવકના સ્રોત હતા, જેમાં મોટાભાગની મહિલાઓ પણ સામેલ હતી.

ગામથી 5 કિલોમીટર દૂર આવેલા વાર્સા ગામમાં સતત 8 વર્ષ સુધી કલ્યાણ આશ્રમમાં મેડિકલ ક્લિનિક ચલાવનાર સંઘના પ્રચારક ડૉ. આનંદ ફાટક કહે છે કે, ગામનું કોઈ બાળક ક્યારેય સતત અભ્યાસ કરી શકતું નથી, કારણ કે લોકો છ મહિના પણ ગામમાં રહેતા  નહોતા. મહિલાઓને માઈલો દૂરથી લાકડા કાપવા પડતા હતા અને પછી ઘરમાં ચૂલો સળગતો હતો. એટલું જ નહીં, ગામથી દૂર નદી પાસે ખોદવામાં આવેલા વીરડા માંથી પાણીનો ઉપયોગ આખા ગામને કરવો પડતો હતો .


 પરિવર્તન ત્યારે થયું જ્યારે ચૈતરામજી અને ડૉ. આનંદ ઉપરાંત કલ્યાણ આશ્રમના કાર્યકરો સતત વાત કરીને ગ્રામજનોને સમજાવવામાં સફળ રહ્યા હતા કે, વિનાશની ધરતી પર વિકાસનો પાક ઊગતો નથી. પછી તો જાણે વનવાસીઓએ જંગલને પોતાનો મિત્ર બનાવ્યો અને વેરાન જંગલની સંપત્તિને બચાવવા વન વિભાગ સાથે ડગથી ડગ મેળવીને ચાલવાનું શરૂ કર્યું.  ચૈતરામજી જણાવે છે કે ગામના વૃદ્ધ લોકોએ વારાફરતી વનરક્ષકની જવાબદારી લીધી. ગેરકાયદેસર કાપણી અટકાવવા માટે, ગામના લોકો લાકડા કાપીને માથે લઈ જતાબળદગાડામાં લઈ જતા તેમજ જેઓ લીલા લાકડાં કાપતા તેના માટે અલગ અલગ દંડની રકમ જાહેર કરી અને તેની વસૂલાત પણ શરૂ કરી.

આ તો માત્ર શરૂઆત હતી, પછી ગામના લોકોએ પાછું વળીને જોયું નથી. હવે ગામમાં પાણી લાવવાનો સમય હતો.  વનવિભાગની મદદથી વનવાસીઓએ જાતે જ શ્રમદાન કરીને જળ સંરક્ષણ માટે નાના-નાના ચેકડેમ બનાવ્યા. આ 30 વર્ષમાં ગામમાં વોટરશેડ મેનેજમેન્ટના 600 જેટલાં કામો થયાં, જેના કારણે આજે ગામમાં 40 જેટલા કૂવા છે જેમાં આખું વર્ષ પાણી રહે છે, એટલું જ નહીં, ગ્રામ સમિતિએ દરેક બાળક માટે ભણતર ફરજિયાત બનાવ્યું છે. જે પરિવારોએ તેમના બાળકોને શાળાએ ન મોકલ્યા તેમના પર વસૂલવામાં આવતી દંડની રકમને ટાળવા માટે, બાળકોને નિયમિત સરકારી શાળાઓમાં મોલલવા માંડ્યા. .

મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે કલ્યાણ આશ્રમના કાર્યકરોના માર્ગદર્શન હેઠળ ગામડાની મહિલાઓના 15 સ્વ-સહાય જૂથો બનાવવામાં આવ્યા. ગામના તળાવમાં માછલી ઉછેર શરૂ કરવામાં આવ્યો અને બારીપાડાના પ્રખ્યાત ચોખાના માર્કેટિંગ માટે ફાર્મર પ્રોડ્યુસર કંપનીની રચના કરવામાં આવી. આસપાસના જિલ્લાઓને ચોખા મોકલે છે. જે ગામમાં લોકો ચોથું પાસ પણ નહોતા કરતા ત્યાં સુનીલ પવાર અને અભિમત પવાર જેવા યુવાનો પોતે સરકારી શાળામાં શિક્ષક છે.

અહીંનો એક અનોખો ઉત્સવ અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. બારીપાડાનો વન ભાજી ઉત્સવ, જે છેલ્લા 18 વર્ષથી સતત ચાલી રહ્યો છે, તે પેઢી દર પેઢી જ્ઞાનના હસ્તાંતરણનું અનોખું ઉદાહરણ છે. જંગલમાં ઉગાડવામાં આવતી શાકભાજીની રેસીપી સ્પર્ધામાં ભાગ લેતી મહિલાઓને  આ શાકભાજીના ઔષધીય ગુણો વિશે પણ જણાવવું પડે છે.  કેનેડામાં પી. એચ. ડી.કરતા  શૈલેષજી શુકલ અહી  અભ્યાસ માટે આવ્યા ત્યારે આ વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી, જેથી વનવાસીઓ સાથે દવાઓના તબીબી મૂલ્યની સમજ પેઢી દર પેઢી સુધી પહોંચાડી શકાય.


આજે જ્યારે ચૈતરામ પવાર ગ્રામજનોની વચ્ચે ગર્વથી કહે છે કે તમે 6000 કરોડના ઘણા કરોડ માલિક છો ત્યારે સાંભળીને નવાઈ લાગે છે પરંતુ બારીપાડાના આ વિશાળ જંગલની વનસંપત્તિ જે પુનઃજીવિત ગ્રામજનોએ કરી છે તે જ છે. અહીં સેંકડો સાગના વૃક્ષો છે. આજે વનવિભાગ દ્વારા સાગના લાકડા કાપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, પરંતુ ભવિષ્યમાં જ્યારે પણ તેમાંથી કેટલીક કાપણી કરવામાં આવશે ત્યારે તેમાંથી મળતી રકમમાંથી અડધી રકમ બારીપાડાવાસીઓને મળશે તેવો નિર્ણય વન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.  હા, બીજી એક વાત, ડૉ. આનંદ ફટક ગર્વપૂર્વક જણાવવાનું ભૂલતા નથી કે જે દેશમાં પુરુષો હજુ પણ કુટુંબ નિયોજનના ઓપરેશન કરાવવામાં સંકોચ અનુભવે છે, ત્યાં આ ઓપરેશન મોટાભાગે આ ગામમાં પુરુષોએ જ કરાવ્યાં છે. વંદે માતરમ્

સંપર્ક : ચેતરામજી બારીપાડા

મો. નં : 9823642713

1533 Views
अगली कहानी