नियमित अपडेट के लिए सब्सक्राईब करें।
5 mins read
મહારાષ્ટ્ર
સુલોચના આજ સુધી તે દિવસ ભૂલી નથી કે જ્યારે તે ગર્ભવતી હતી અને તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવી હતી. ગરીબીએ જીવવું કપરું કરી દીધું હતું, વળી તેની પર આ બેકારીએ કામ માટે દર દર ભટકવા બાધ્ય કરી દીધી. પરંતુ આજે હવે બધું બદલાઇ ગયું છે. સોલાપુરના મુખ્ય બજારમાં પદ્મા સિનેમાની સામે ગણેશ માર્કેટીંગ નામથી તેની જથ્થાબંધ સામાનની એજન્સી છે, જેનું વાર્ષિક ટર્નઓવર લાખોમાં છે. વળી સાધારણ ગૃહિણી એવી અલ્પના ચન્દનશિવે જેણે ક્યારેક થોડો ઘરખર્ચ કાઢવા પાપડ બનાવવાની તાલિમ લીધી, આજે તે ઉભરતી વ્યાવસાયીક મહિલા છે. અલ્પના આજે 500થી વધુ બહેનોને રોજી આપે છે.
હવે મળીએ વૈષ્ણવીને જે ક્યારેક એક એક પાઇ માટે સંઘર્ષ કરતી હતી આજે તેનું બૂટિક ફેશનની નવીનતમ ડિઝાઇનો માટે જાણીતું છે. રોજ બરોજની જરૂરતો માટે સંઘર્ષ કરતી આવી બહેનોને આત્મનિર્ભર કરવા મહારાષ્ટ્રના સોલાપુર નગરમાં વર્ષ 2004માં ઉદ્યોગવર્ધિનીની શરુઆત થઇ.
રાષ્ટ્રીય સેવાભારતીના રાષ્ટ્રીય ટ્રસ્ટી ચન્દ્રિકા ચૌહાણે પ્રયત્નો કરી 600 સ્વ સહાયતા જૂથના માધ્યમથી 10000 બહેનોને રોજગારથી જોડ્યા. સંઘના પૂર્વ પ્રચારક રહેલા શંભુસિંહ ચૌહાણના ધર્મપત્ની પોતાના જીવન સંઘર્ષમાંથી જે કાંઇ પણ શીખ્યા તેને હજાર ગણું કરી સમાજમાં વહેંચ્યું. મહિલા ઉદ્યમિતાના ક્ષેત્રમાં પોતાનું ઉદાહરણ પ્રસ્તુત કરનારી સંસ્થા ઉદ્યોગવર્દ્ધિનીને વ્યાવસાયીક પ્રશિક્ષણ માટે સર્વ શ્રેષ્ઠ સંસ્થાના સ્વરૂપે તેને પુરસ્કૃત પણ કરવામાં આવી છે. ભાકરી રોટી (જુવારનો રોટલો) અને મગફળીની ચટણીનું નામ સાંભળીને તરત જ મરાઠી માણૂસને મોં માં પાણી આવી જાય. મહારાષ્ટ્રના સામાન્ય માણસની આ ડિશને ઉદ્યોગવર્દ્ધિનીએ અહીંની જાણીતી બ્રાંડ બનાવી દીધી છે.
પ્રાંતના આ પરંપરાગત ભોજનને આધાર બનાવી ચન્દ્રિકાજીએ 800 બેકરીઓને પોતાની સાથે જોડી. એટલું જ નહીં વૃદ્ધાશ્રમ અને રોગીઓના સ્વજનોને દોઢ રૂપીયામાં પૌષ્ટિક ભોજન ખવડાવ્યું છે. આ તો ઉદ્યોગવર્દ્ધિનીનો માત્ર એક આયામ છે. સંસ્થાએ સીવણ, ગુંથણ, કેટરીંગ, પોટરી, અનાજ સાફ કરવું, ઘરેલુ મસાલા તૈયાર કરવા, જુનાં કપડાંથી થેલી બનાવવી, તહેવારોમાં વિશેષ ફરસાણ બનાવવા જેવાં જુદાં જુદાં વ્યવસાયોથી બહેનોના સ્વ સહાયતા સમૂહોને જોડી આર્થિક પગભર બનાવ્યાં છે. એટલું જ નહીં બહેનો ઘરે બેસી પૈસા કેવી રીતે કમાવી શકે તેના અલગ અલગ નુસખાઓ શીખવી તેની માર્કેટીંગ પણ કરવામાં આવ્યું છે.
હવે વાત કરીએ સુલોચનાની ચન્દ્રિકાબહેનની પાસે જ્યારે તે આવી ત્યારે કેટલાય ઘરોમાં વાસીંદુ વાસણ કરતી હતી. નાવિક સમાજમાંથી આવતી આ બહેનને ચન્દ્રિકાજીએ હેર કટીંગ સલૂનની બ્લેડ વહેંચવા પ્રેરિત કરી. સંસ્થાના નિરંતર માર્ગદર્શન અને સહયોગના કારણે ધીરે ધીરે સુલોચનાએ સલૂનની જરૂરી સામાનની નાનકડી દુકાન શરુ કરી. આજે તે દુકાન સોલાપુરની સૌથી મોટી જથ્થાબંધ સામાનની એજન્સીમાં પરિવર્તિત થઇ છે.
વર્તમાનમાં ઉદ્યોગવર્દ્ધિનીની માર્કેટીંગ ટીમની પ્રમુખ સુલોચનાએ સલૂનમાં વપરાતી ખુરસીઓની ફેક્ટરી પણ શરુ કરી છે. અમદાવાદથી સોલાપુર આવેલી સાધારણ ગૃહિણી ચન્દ્રિકા ચૌહાણ કદાચ ઘરનો ઉંબરો ઓળંગીને બહાર ન આવત જો તેમના પતિના ઓપન હાર્ટ સર્જરીના કારણે ઘરનું આર્થિક સમીકરણ ન બગડ્યું હોત. ત્યારે તેમને ટેલરીંગ અને ગુંથણમાં મેળવેલ સુવર્ણ પદક તેમના કામમાં આવ્યું અને સીવણ અને ગુંથણના કામથી પોતે આત્મનિર્ભર થયા.
સંઘના તત્કાલીન પ્રાંત સંઘચાલક ડૉ. કુકડેજીની પ્રેરણાથી ચન્દ્રિકાજીએ પોતાની આ પ્રતિભાનો ઉપયોગ અન્ય બહેનોને સ્વાવલંબી કરવા માટે શરુ કર્યો. સોલાપુરની ઘોત્રેકર વસાહતની ઝુંપડીઓમાં પહેલું સીવણ કેન્દ્ર શરુ કરી જે યાત્રાનો પ્રારંભ કર્યો તેને મહિલા ઉદ્યમિતાની તાલિમમાં એક સોનેરી અધ્યાય જોડ્યો. આજે ઉદ્યોગવર્દ્ધિની પાસે પોતાનું રોટીઘર છે જ્યાં રોજ 5000 રોટલીઓ બને છે, જે જુદી જુદી શાળાઓમાં અને હોસ્પીટલોમાં જાય છે. તેમની રસોઇથી રોજ અઢીથી ત્રણ હજાર લોકોનું ખાવાનું બને છે, જે કેટલીય ગૃહિણીઓને ઘર બેઠા રોજગાર આપે છે. સંસ્થા દર મહિને બસો કિલો મગફળીની ચટણી પણ વેચે છે.
દીવાળી અને હોળી જેવા તહેવારોમાં અહીં બનતા ફરસાણ વિદેશોમાં પણ જાય છે. સમાજ માટેની સંવેદનશીલતા જ આ સંસ્થાનો આધાર છે. અહીં આવતી બહેનોને પ્રશિક્ષણની સાથે સાથે ભારતીય સંસ્કૃતિ, દેશ અને સમાજ માટેની જવાબદારીનો ભાવ પણ શીખવવામાં આવે છે. સંસ્થા નેત્રહીન બાળકોના હાથથી બનાવેલ બેગોનું પણ માર્કેટીંગ કરે છે. સંઘના કેન્દ્રીય સેવાટોળીના સદસુ અને વરિષ્ઠ પ્રચારક શ્રી ઉદય જોગળેકરજી બતાવે છે કે ઉદ્યોગવર્દ્ધિનીનિ સફળતા જોઇ રાષ્ટ્રીય સેવાભારતીએ મહિલાઓના વિકાસ માટે ચાલતા સ્વ સહાયતા જૂથોની વૈભવ શ્રી યોજનાનું દાયિત્વ તેમને સોંપવામાં આવ્યું છે. દેશભરમાં સ્વ સહાયતા સમૂહના માધ્યમથી મહિલાઓને આત્મનિર્ભર કરવાના આ અભિયાન માટે ચન્દ્રિકાજી દેશભરમાં જુદાં જુદાં પ્રાંતોમાં મહિલાઓને તાલિમ આપી રહ્યા છે.
સંપર્ક સૂત્ર : ચન્દ્રિકાબેન ચૌહાણ
મો. નં : 9422069455
नियमित अपडेट के लिए सब्सक्राईब करें।