सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

એક મૌન તપસ્વી બાળાસાહેબ દેશપાંડે

અવનીબેન ગઢીયા | છત્તીસગઢ

parivartan-img

વનવાસી કલ્યાણ આશ્રમના પિતા – બાળાસાહેબ દેશપાંડે

આજથી 74 વર્ષ પહેલા 706  કિલોમીટરનું અંતર કાપી એક યુવક નાગપુરથી જશપુર પહોંચ્યો. આ કોઇ સામાન્ય યાત્રા ન હતી. આ તો સમૃદ્ધ સાંસ્કૃતિક પરિવેષના પ્રતિક નાગપુરનું સાંસ્કૃતિક અસ્મિતાનું સંકટ સહન કરી રહેલા જશપુર તરફનું એક ઐતિહાસિક પગલું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પહેલી પેઢીના સ્વયંસેવક બાળાસાહેબ દેશપાંડે 1948માં એ સમયના મધ્યપ્રાંત (વર્તમાન છત્તીસગઢ)ના દુર્ગમ વનવાસી ક્ષેત્ર જશપુરમાં વનવાસીઓને શિક્ષિત કરીને તેમને સંસ્કૃતિ સાથે જોડવા અને આત્મગૌરવ અપાવવા ત્યાં ગયા હતા. જશપુરને કેન્દ્ર બનાવી તેમણે અરાષ્ટ્રીય તત્વોના પડકારો વચ્ચે વનવાસી કલ્યાણનું એક મહત્વનું કામ સંપન્ન કર્યું. પહેલા શાસન સાથે મળી પછી સ્વતંત્ર રૂપથી વનવાસીઓને તેમના મૂળ સાથે જોડવાની આ સતત કર્મ સાધનાના પરિણામ સ્વરૂપ દેશમાં વનવાસીઓના સૌથી મોટા સંગઠન વનવાસી કલ્યાણ આશ્રમનો જન્મ 1952માં થયો.  આજે દેશભરમાં વનવાસીઓ માટે 19393 સેવાપ્રકલ્પ ચલાવતા કલ્યાણ આશ્રમના જનક બાળાસાહેબ દેશપાંડેજી એક નિષ્કામ કર્મયોગી હતા.

જેમની વીણાના તાર બધાના મન મોહી લેતા હતા તે બાળાસાહેબનો જન્મ 26 ડીસેમ્બર 1913 ના દિને અમરાવતીમાં થયો. શ્રી કેશવ દેશપાંડે અને શ્રીમતિ લક્ષ્મીબાઇના સુપુત્ર રમાકાંત (બાળાસાહેબ)એ જે ઇતિહાસ બનાવ્યો છે તે સંઘની કેટલીએ પેઢીઓ પોતાની કાર્યરચનાનો આધાર બનાવશે. રમાકાંત બાળપણથી જ મન પરોવી ભણતા હતા. નાગપુરમાં એમ.એ, એલ.એલ.બીનું ભણતર કરી પુરવઠા અધિકારીની નોકરી કરી. પરંતુ એક કિસ્સામાં સરકાર તરફથી સાચો ન્યાય ન મળવાના કારણે ભારી મને નોકરી છોડી રામટેકમાં વકિલાત ચાલુ કરી. જેમણે જીવનમાં મોટા કામો કરવાના હોય તેમનું જીવન સાધારણ લોકો જેવું  હોતું નથી. 

કદાચ એટલે જ પોતાની જમાવેલી વકીલાત છોડીને રમાકાંતે એક પડકારનો સ્વીકાર કર્યો. તેઓ પ્રસિદ્ધ સમાજસેવક વણીકરજીના આહ્વાન તેમ જ સંઘના તત્કાલીન સરસંઘચાલક ગોલવલકર ગુરુજીની સહમતિથી એક મહાન ઉદ્દેશ્ય લઇને જશપુરમાં તેઓ બેક્વર્ડ એરિયા ડેવલપમેન્ટ ઑફિસર બનીને પહોંચ્યા.

વનવાસી કલ્યાણ આશ્રમના અખિલ ભારતીય સંગઠન મંત્રી રહેલા ગુણવંતસિંહ કોઠારી કહે છે કે, બાળાસાહેબ જ્યારે જશપુર પહોંચ્યા તો ત્યાંનો વનવાસી સમાજ પોતાની અસ્મિતા અને અસ્તિત્વની રક્ષા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. નક્સલવાદી તત્વોની સમાંતર સરકારની સામે અઝાદી પછીની નવી ચૂંટાયેલી મુખ્યમંત્રી પંડિત રવિશંકર શુક્લની સરકાર જાણે લાચાર હતી. વનવાસી પોતાની પરંપરાઓ તો ભૂલી જ રહ્યા હતા. દેશ પ્રત્યે પણ વિદ્રોહી બનતા જતા હતા. આ સમાજને જોડવા માટે સેવા દ્વારા તેમને પોતાનો બનાવી તેમનો વિશ્વાસ સંપાદન કરવો પડશેગુરુજીના આ વાક્યને પોતાનો જીવનમંત્ર બનાવી બાળાસાહેબે 1948માં જશપુરમાં શિક્ષણના માધ્યમથી પોતાના કાર્યની શરુઆત કરી પ્રવાહની વિરુદ્ધ લડવાને બદલે તેમણે પ્રવાહને દિશા આપવાનું પસંદ કર્યું.


પ.પૂ. બાળાસાહેબ દેવરસ જી, રાજા વિજયભૂષણ

લગભગ એકજ વર્ષમાં સરકાર દ્વારા 100 પ્રાથમિક શાળા અને આઠ માધ્યમિક શાળા શરુ થઇ. આ પાઠશાળાઓ માટે તેમણે પોતે સ્વસ્થ, બળવાન અને ચરિત્રવાન શિક્ષકોની નિમણૂંક કરી. શિક્ષણના ક્ષેત્રમાં ચર્ચની મોનોપોલી સમાપ્ત કર્યા પછી બાળાસાહેબે વનવાસીઓને પોતાની ધાર્મિક પરંપરાઓ સાથે જોડવાનું અભિયાન શરુ કર્યું તે સમયના ઉરાંવ અને કંવર જાતીના નેતાઓ તેમજ સાધુસંતો સાથે મળીને સનાતન ધર્મસભાની સ્થાપના કરી. જશપુર તેમજ આજુબાજુના ગામોમાં ભિન્ન ભિન્ન સ્થાનો પર ભજન મંડળીઓ બનાવી સંકિર્તન પ્રારંભ કર્યું. માત્ર એક જ વર્ષમાં જ ચમત્કારિક પરિવર્તન થયું. કનકુરીમાં જે વનવાસીઓએ મુખ્યમંત્રી રવિશંકર શુક્લને પ્રવેશવા નહોતા દીધા એ જ વનવાસીઓએ કાંસાબેલમાં 1949માં ઠક્કરબાપાનું  ભારતમાતાની જયના નારા લગાવતા, પુષ્પવર્ષા કરતા કરતા ઢોલ નગારથી સ્વાગત કર્યું 

પોતાની ધુનના પાક્કા આ યુવાન કાર્યકર્તાની પરીક્ષા ત્યારે શરુ થઇ જ્યારે 1951 ની પહેલી સામાન્ય ચૂંટણી પછી ચુંટાયેલી નવી સરકારે વનવાસીઓના કલ્યાણ પ્રત્યે સંપૂર્ણ ઉદાસીન વલણ અપનાવ્યું. બાળાસાહેબને કોઇ પણ પ્રકારનો સહયોગ મળવાનો બંધ થઇ ગયો. મજબૂરીથી તેમણે નોકરી છોડી ફરીથી વકિલાત શરુ કરવાનો નિર્ણય લેવો પડ્યો, ત્યારે બાળાસાહેબ નાગપુરમાં પ.પૂ. ગોલવલકરજીને મળ્યા અને ત્યાં જ તેમને આગળના કાર્યની દિશા મળી, “સામાજિક કામ માત્ર સરકારના ભરોસે ન થઇ શકે. તેના માટે જાતે જ સંસ્થાની નોંધણી કરી, વનવાસી કલ્યાણનું કામ આગળ વધારવું”. ગુરુજીના આવાક્યને પોતાનું જીવન લક્ષ્ય બનાવી તેઓ ફરીથી જશપુર તરફ નીકળી પડ્યા. આ વખતે તેઓ એકલા ન હતા. તેમની સાથે ખંડવાના વિભાગ પ્રચારક મોરુભાઉ કેતકર પણ હતા. બાળાસાહેબ અને મોરોભાઉ ઘનઘોર જંગલમાં માઇલો સાયકલ ચલાવીને વનવાસી સમાજને પોતાનો બનાવવા ઘરે ઘરે ફરી રહ્યા હતા.

જશપુરના દેશી રજવાડાના રાજા વિજયભૂષણસિંહ જુદેવ આ કાર્યકર્તાઓથી એટલા બધા પ્રભાવિત થયાં કે તેમણે પોતાના મહેલમાં બે ઓરડા આ કામ માટે દાનમાં આપ્યાં. એટલું નહીં સમાજ કલ્યાણનું આ કામ અટકે નહી એટલા માટે મહારાજે જરુરીયાત મુજબ ધનની પ્ણ વ્યવસ્થા કરી. આખરે એ ઐતિહાસિક દિવસ પણ આવ્યો કે જ્યારે 26 ડીસેમ્બર 1952માં રાજાના જુના મહેલમાં વનવાસી કલ્યાણ આશ્રમના પ્રથમ છાત્રાવાસની સ્થાપના થઇ. વિઘ્નો અનેક હતા, પરંતુ આ તપસ્વી સાધકો ક્યારેય હાર્યા નહીં. વનવાસી કલ્યાણ આશ્રમના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ પ્રમોદ પેઠકરજીના કહેવા પ્રમાણે 13 બાળકો સાથે છાત્રાવાસની શરુઆત થઇ. પ્રારંભિક સમયે આ બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવી પણ અઘરી હતી, મોટાભાગનો ખર્ચ બાળાસહેબ પોતાની આવકમાંથી કરતા હતા.

સ્વચ્છંદી વનવાસી બાળકોને અનુશાસનમાં રાખવા અઘરા હતા, પરંતુ સહજ આત્મીય વ્યવહારથી બાળાસાહેબ અને મોરુભાઉએ તેમને વ્યવસ્થિત દિનચર્યા અને સંસ્કારિત શિક્ષણ આપવાનું શરું કર્યું. ધીમે ધીમે છાત્રાવાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધવા લાગી આ કઠીન યાત્રામાં બાળાસાહેબના ધર્મપત્નિ પ્રભાવતીદેવી તેમને પૂર્ણ સહયોગ આપ્યો. બાળાસાહેબના સૌથી નાના પુત્ર સતીશજી કહે છે કે તેમની માતા પ્રભાવતીદેવીને બધાં બાળકો આઇ કહીને બોલાવતા.

સમય જતા વનવાસી કલ્યાણનો બાળાસાહેબનો સંકલ્પ દૃઢ થતો જતો હતો. કાર્યને આગળ વધારવા માટે નિરંતર પ્રવાસ તથા નવા કાર્યકર્તાઓને જોડવા જરુરી હતા. આના માટે બાળાસાહેબ અને મોરુભાઉ વાહન વગર હિંસક પ્રાણીઓ વચ્ચે  25-25 કિલો મીટર સાયકલ ચલાવી વનવાસીઓની વચ્ચે જતા અને તેમને આ કાર્યનું મહ્ત્વ સમજાવતા હતા. 1956માં જ્યારે વિધિવત રૂપે કલ્યાણ આશ્રમનું સંસ્થાના રૂપમાં નોંધણી થઇ ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આશ્રમની સાથે જોડાઇ ચુક્યા હતા. થોડી નવી પાઠશાળાઓ પણ શરુ થઇ ચૂકી હતી. પરંતુ કુદરતે ફરી મોટી પરીક્ષા લીધી. 1962માં કલ્યાણ આશ્રમનું જુનું જર્જરિત મકાન પડી ગયું. આ વખતે ફરીથી ઈશ્વરના દૂત સ્વરૂપે મહારાજા વિજયભૂષણસિંહ જુદેવ હાજર થયા. તેમણે પોતાની જાગીરમાંથી ચાર એકર જમીન વનવાસી કલ્યાણ આશ્રમ માટે દાનમાં આપી. અહીંયા આશ્રમનું વિશાળ ભવન બન્યું જેમાં આજે પણ કલ્યાણ આશ્રમનું મુખ્ય મથક છે. આ ભવનમાં આયુર્વેદિક ચિકિત્સાલયની શરુઆત થતા બાળાસહેબની યોજના અનુસાર કલ્યાણ આશ્રમે શિક્ષણની સાથે સ્વાસ્થ્યના ક્ષેત્રમાં પોતાનું પહેલું પગલું રાખ્યું.

તેઓ જાણતા હતા કે વનવાસી સમાજને  એક કરવા માટે આ સમાજના સંતોને પણ કલ્યાણ આશ્રમ સાથે જોડવા પડશે. એટલા માટે તેઓએ વનવાસી કંવર સમાજના સંત પૂ. ગહિરા ગુરુજી મહારાજના હસ્તે આ ભવનનું ઉદ્ઘાટન કરાવ્યું તથા કંવર સમાજને સ્નેહના તાંતણે બાંધી દીધો.

આ કલ્યાણ આશ્રમના અખિલ ભારતીય સંગઠન મંત્રી અતુલજી જોગના મંતવ્ય પ્રમાણે કલ્યાણ આશ્રમની યાત્રામાં ઉતાર ચઢાવ તો ઘણા હતા પરંતુ આ યાત્રા લોક મંગલની હતી એટલે કાર્યકર્તા મળતા ગયા અને કાર્ય વધતું ગયું. દક્ષિણ બિહાર (ઝારખંડ) ના લોહરદગામાં ઓરિસ્સાના બાલે શંકરામાં, મધ્યપ્રદેશના સેંધવામાં આશ્રમના નવા છાત્રાવાસ શરુ થયા. તેઓ કહે છે કે 1969 સુધીમાં તો બાળાસાહેબની સાધના ફળીભૂત થઇ ચુકી હતી અને દેશના 14 જીલ્લા અને 39 ગામો સુધી આશ્રમ પહોંચી ગયો હતો. મ.પ્રદેશ માં વનવાસી કલ્યાણ પરિષદની પણ સ્થાપના થઇ ગઇ હતી.


રાષ્ટ્રીય વનવાસી કીડા મહોત્સવમાં બાળાસાહેબ જુદેવ જી સાથે સિંહ

કાર્ય જેટલું વધી રહ્યું હતું, બાળા સાહેબનો પ્રવાસ પણ વધી રહ્યો હતો. પ્રત્યેક કેન્દ્ર સુધી પહોંચવું, કાર્યકર્તાઓનું મનોબળ વધારવું તથા નિરંતર યોજના માટે બેઠકો કરવી હવે તેમના જીવનનો એક ભાગ બની ગયા હતા. એવામાં આપાત્કાળ આવ્યો. આઝાદીની લડતમાં અંગ્રેજ સરકાર વિરુદ્ધ રામટેકમાં થયેલા બોંબકાંડમાં મુખ્ય આરોપીઓમાંથી એક હોવા છતાં બાળાસાહેબ જેલમાં જવામાંથી બચી ગયાં હતાં. પરંતુ આપાત્કાળમાં જેલના સળીયા પાછળ પહોંચી ગયાં. 1975 માં તેમની ધરપકડ કરી. પહેલા રાયગઢ અને પછી રાયપુરની જેલમાં રાખવામાં આવ્યાં જ્યાં તેઓ 19 મહિના રહ્યા. તત્કાલીન સરકારની દમનકારી નીતિઓએ કલ્યાણ આશ્રમના કાર્યકર્તાઓને માત્ર જેલમાં જ ન પૂર્યા આશ્રમની જમીનને પણ લેન્ડ સીલીંગ એક્ટ અંતર્ગત સીઝ કરી દીધી અને સંપત્તિનું પણ નુક્શાન પહોંચાડી દીધું. છાત્રાલયના બાળકોને પણ ઘેર મોકલી દીધા. પરંતુ સોનું જેમ આગમાં તપીને કુંદન બને છે તેમ બાળાસાહેબ પણ જ્યારે જેલ માંથી બહાર આવ્યા, ત્યારે વધારે લોકપ્રિય બની ગયાં હતાં.

આપાત્કાળ પછી સંઘે રામભાઉ ગોડબોલેજી જેવા ઘણા પ્રચારકોને કલ્યાણ આશ્રમના કામના વિસ્તાર માટે મોકલ્યા. બાળાસાહેબે આખા દેશમાં ભ્રમણ કરી આ કાર્યને દેશવ્યાપી બનાવ્યો. તેમણે પૂર્વોત્તર રાજ્યોના બાળકોને દેશ અને સાંસ્કૃતિક ગૌરવથી પરિચિત કરવા અને તેમનામાં રાષ્ટ્રભાવ જાગૃત કરવા બાળાસાહેબે છાત્રાલયોની સ્થાપનાની શૃંખલા શરુ કરી.

આશ્રમે પોતાના જનક બાળાસહેબના 71 મો જન્મદિવસ આખા દેશમાં ઉજવવાનો નિર્ણય કર્યો.  આખા દેશમાં બાળાસાહેબને અભિનંદન આપવા અનેક કાર્યક્રમો થયાં, જેમાં તેમને નિધિ ભેટ આપવામાં આવી જેનો ઉપયોગ ભવિષ્યમાં આશ્રમના વિભિન્ન પ્રકલ્પોના સંચાલનમાં થયો.


વનવાસી પ્રતિભા દેશ સામે લાવવા માટે બાળાસાહેબે એકલવ્ય ખેલ પ્રકલ્પની સ્થાપના કરી. આ પ્રકલ્પે દેશને પ્રસિદ્ધ તીરંદાજ અને ગોલ્ડ મેડાલીસ્ટ ખેલાડી આપ્યાં. સંઘ સંસ્થાપક ડૉ હેડગેવારના જન્મ શતાબ્દી વર્ષમાં તેમના અથાક પ્રયત્નોના ફળ સ્વરૂપ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત ક્ષેત્ર બસ્તરમાં 30000 વનવાસીઓનું વિરાટ વનવાસી સંમેલન સંપન્ન થયું.

બાળાસાહેબ કહેતા હતા કે, કાર્યના વિસ્તાર માટે જેટલું મહત્વનું પ્રકલ્પ ચાલુ કરવાનું છે તેનાથી પણ વધારે પ્રકલ્પ માટે વાયુમંડળ બનાવવાનું છે. અને આ જ તેમણે જીવનભર કર્યું.

શરીર ક્ષીણ થતું જતું હતું છતાં પણ 1979 થી 1993 સુધી આપણા દેશના પ્રત્યેક પ્રકલ્પ પર પ્રવાસ કરીને કાર્યકર્તાઓની બેઠક લેતા રહ્યા. છેલ્લા 20 વર્ષ સુધી એક વનવાસી યુવક પડછાયાની જેમ બાળાસાહેબની સાથે રહ્યો, અંતે વનવાસી કલ્યાણનું આ મહત્વનું કાર્ય બાળાસાહેબ એક વનવાસીને સોંપવા ઈચ્છતા હતા. 1993માં સ્વાસ્થ્ય કથળતા હોવાથી કટકમાં સંપન્ન થયેલા આશ્રમમાં અખિલ ભારતીય સંમેલનમાં જગદેવરામ ઉરાંવજીને કલ્યાણ આશ્રમનું નેતૃત્વ સોંપીને બાળાસાહેબ સ્વયં નેપથમાં ચાલ્યા ગયા.

21 એપ્રિલ 1995માં અનંતયાત્રાએ નીકળતા પહેલા આ વનયોગીની આંખોમાં અસીમ શાંતિ હતી. કારણકે હવે ગિરિ, પર્વતો અને વનમાં રહેવા વાળો વનવાસી સમાજ જાગૃત થઇ રહ્યો હતો. તેમની સાંસ્કૃતિક ઓળખ હવે તેમના માટે ગર્વનો વિષય હતો.

542 Views
अगली कहानी