सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

મહા વિનાશની ધરતી ઉપર સર્જનનું અંકુર

ડૉ. પારુલ ભટ્ટ મહેતા | कच्छ | ગુજરાત

parivartan-img

અમારી પાસે ફકત ઓઢવાને આભ અને પાથરવાને ધરતી બચ્યાં હતા. ખબર નથી વિધાતાને શું મંજૂર હતું !!! ગણતરીની ક્ષણોમાં બધુજ જમીનદોસ્ત થઈ ગયું. ચાલીસ ચાલીસ વર્ષોથી જે ઘર વાસણ, પાથરણાં, કપડાં  કણ કણ ભેગું કરીને સજાવેલું તે બધું જ કચરાના  ઢગલામાં ફેરવાઈ ગયું....કચ્છ(ગુજરાત)માં આજ થી બાવીસ વર્ષ પહેલાં આવેલા વિનાશકારી ભૂકંપથી સર્જાયેલ તબાહીની વાતો કરતાં ચપરેડી ગામના  વર્તમાન સરપંચ દામજીભાઈની આંખો આજે પણ ભીની થઈ જાય છે. બીજી જ પળે અટલનગરમાં બનેલ મકાનો, પહોળા રસ્તાઓ, શાળાની ભવ્ય ઇમારતો, સમાજમંદિર ગામની મધ્યમાં બનેલ માતારાણી નાં વિશાળ મંદિરને જોતાજ તેઓ ચપરેડીનાં અટલનગરના સર્જનની વાતો ગર્વથી કહે છે. શું તમે જાણો છો? સેવાભારતી  ગુજરાતે સેવા-ઈન્ટરનેશન સંસ્થાની સહાયથી વિનાશકારી ભૂકંપથી ખંડેર બની ગયેલાં ચૌદ ગામો ને પુનઃ સ્થાપિત કર્યા છે. આજ ગામોમાનું એક ગામ ચપરેડી, જે આજ સર્વ સુવિધા સંપન્ન અટલનગર તરીકે ઓળખાય છે.


26 મી જાન્યુઆરીએ જ્યારે સમગ્ર ભારત 52મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું હતું ત્યારે સવારે 8:46 કલાકે ગુજરાતના કચ્છ જિલ્લામાં એક મહા વિનાશક ભૂકંપ આવ્યો. રીએક્ટર સ્કેલ ઉપર 7.7 ની તીવ્રતા વાળા બે મિનિટ ચાલેલો આ ભૂકંપ 13,805 વ્યક્તિઓને ગળી ગયો. કચ્છ ગુજરાતમાં સેંકડો ગામ અસરગ્રસ્ત થયા જેમાં એક ગામ તે ચપરેડી. આ ગામમાં રહેવાવાળા 300 પરિવારોનું ભૂકંપમાં સર્વસ્વ છીનવાઈ ગયું. 10 વ્યક્તિએ જીવ ગુમાવ્યા અને આખુંય ગામ ભંગારના ઢગલામાં ફેરવાઈ ગયેલું.

પરંતુ જ્યાં વિનાશ થાય છે ત્યાં સર્જનના અંકુર પણ ફૂટે છે. સેવાભારતી ગુજરાતના કાર્યકર્તાઓ એ દિવસ રાત એક કરી ભૂકંપમાં મનુષ્યએ જે કંઈ ગુમાવ્યું હતું તે બધું જ - મૃત્યુ પામેલા મનુષ્ય સિવાય  - મેળવી આપ્યું.


આ ગામ પહેલા જ્યાં હતું ત્યાંથી થોડે જ દૂર ખાલી પડેલી જમીન ઉપર આખું ગામ નવેસરથી વસાવ્યું. 2004માં આ ગામનું ભૂમિ પૂજન તત્કાલીન વડાપ્રધાન શ્રી અટલ બિહારી બાજપાઈના કરકમળથી કરવામાં આવ્યું અને તેનો લોકાર્પણ  કરવા ભારતના સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસ  પધારેલ હતા. વળી નવ નિર્માણની સાથે સાથે નવું નામ પણ મળ્યું  "અટલનગર”. નવનિર્માણના કાર્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર કચ્છ જિલ્લાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તત્કાલીન વિભાગ કાર્ય વાહ શ્રી મહેશભાઈ ઓઝા કહે છે કે આ કાર્ય એટલું સરળ ન હતું. ચપરેડી સહિત કેટલાયે ગામ કચરાનો ઢગલો બની ગયા હતા. મૃત્યુ પોતાનું તાંડવ દેખાડી ચૂક્યું હતું. પરંતુ જે બચી ગયા હતા તેઓને માટે જીવનની લડાઈ અત્યંત કઠિન હતી. ખાસ તો બાળકોનું ભણતર ચાલુ રાખવા માટે સ્કૂલના મકાનો ઝડપથી સરખા કરવા જરૂરી હતા. તેઓ કહે છે કે કચ્છના ચાર ગામોની સાથોસાથ જામનગર, બનાસકાંઠા અને પાટણમાં નષ્ટ થયેલા 62 નવા સ્કૂલોના મકાન સેવાભારતી ગુજરાતે સમાજના સહકારથી પુનઃ બનાવ્યા.


આપણે સૌ જાણીએ છીએ કે એક ગામ બનાવવા માટે થોડા દિવસોની નહીં પણ કેટલાક વર્ષોની જરૂર પડે છે. વિનાશ અને સર્જનની વચ્ચેના વર્ષમાં વાંસડાઓ ઉપર પતરા નાખી થોડા ઘણા વાસણ અને પાગરણની સાથે પથ્થરના ચૂલા પર રસોઈ બનાવીને જીવન નિર્વાહ કરતા લોકોની દરેક મુશ્કેલીમાં સંઘના સ્વયંસેવકો અને સેવાભારતીના કાર્યકર્તાઓ સાથે ઊભા રહ્યા. સેવાભારતી ગુજરાતના મંત્રી ગીરીશભાઈ કહે છે કે અમે આ પરિવારોને રેશન, કપડા, વાસણ જેવી આવશ્યક વસ્તુઓની સાથે સાથે આત્મવિશ્વાસ અને સ્વાભિમાનથી જીવવાનો અવસર પણ આપ્યો છે. આ આખાય નિર્માણ કાર્યમાં કેટલાક ટેક્નિકલ માણસો સિવાય કોઈપણ બહારથી આવ્યું નથી. ગામ લોકોએ સ્વયં પોતાનું ગામ વસાવ્યું. મજૂરી સહિત જેઓને જે કામ આવડતું તે તેઓએ જતનપૂર્વક કર્યું આથી તેઓને પોતાનું ઘર બનાવવાનો સંતોષ પણ મળ્યો અને સરકારી ધોરણે મજૂરી પણ મળી. કામ શરૂ થયા પછી જ્યારે ચૂલાઓ પ્રગટ્યા ત્યારે રોટલીમાંથી સ્વાભિમાનની સોડમ આવતી હતી. આ સોડમે એ લોકોનો સંતાપ હણી નાખ્યો.


આવો, ફરી પાછા ચપરેડીના સરપંચ દામજીભાઈ પાસે જઈએ જેઓની આંખમાં સેવાભારતી ગુજરાત માટે બસ કૃતજ્ઞતા અને કૃતજ્ઞતા જ છે.  તેઓ કહે છે કે આ કાર્યકર્તાઓ અમારા ગામમાં ઈશ્વરના દૂતની જેમ આવ્યા અને અમારા સુખ દુઃખનો ભાર પોતાના ખભા ઉપર લઈ લીધો એટલું જ નહીં આજે પણ સંઘની પ્રેરણાથી ચાલતી સમરસતા, પર્યાવરણ ,ગ્રામ વિકાસ, અને ગૌ સેવા જેવી ગતિવિધિનાં કાર્યકર્તા અમારા ગામની સાથોસાથ આજુબાજુના ગામોને પણ આદર્શ ગામ બનાવવામાં અલગ અલગ માધ્યમથી નિયમિત સહકાર આપીને અમૂલ્ય સહયોગ આપી રહ્યા છે. સેવા ઇન્ટરનેશનલ યુકેના કાર્યકર્તાઓ અને અન્ય સહયોગીઓ આજે પણ નિયમિત અમારું ગામ જોવા અને અમને મળવા  આવે છે

      કદાચ આને જ મહાવિનાશની ધરતી પર સર્જનના અંકુર કહેવાતું હશે

સંપર્ક : નારાણભાઇ વેલાણી

મો. નં 9727732588, 9428294365

682 Views
अगली कहानी